Wednesday, February 03, 2016

પ્રગતિની ગતિ : વડાપ્રધાન, તમારા મૂળ કામે પાછા ફરો

સમાજવાદીઓ સોવિયેટ સંઘની સફળતાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પૂર્વ તરફ જોયું જ નહીં

વડાપ્રધાન મોદી માટે આ વર્ષ ‘કરો યા મરો’ જેવું છે. આ વર્ષે જો આર્થિક વિકાસ ઝડપી નહીં બને અને જથ્થાબંધ નોકરીઓનું સર્જન નહીં થા તો પછી આપણે ‘અચ્છે દિન’ના સપના જોવાનું માંડી વાળવું પડશે. ઝડપી વિકાસદર ધરાવતા અર્થતંત્રમાં જ નોકરીઓ પેદા થાય છે. રોજગાર પેદા કરવાની અને ગરીબ દેશને ધનિક બનાવવાની ચાવી શ્રમકેન્દ્રિત અને ઓછામાં ઓછી ટેકનોલોજી દ્વારા જથ્થાબંધ ઉત્પાદન કરીને થતી નિકાસમાં છે. આ જ કારણોસર પૂર્વ એશિયા, ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં મધ્યમ વર્ગના પરિવારોની સિકલ બદલાઈ હતી. છેલ્લા 50 વર્ષથી ભારત મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન)ની બસ ચૂકતું આવ્યું છે. આજે વૈશ્વિક વ્યક્તિદીઠ આવકની દૃષ્ટિએ ભારત અત્યંત ગરીબ અર્થતંત્ર છે. ટીએન નિનાને તેમના પુસ્તક ‘ધ ટર્ન ઑફ ધ ટૉરટૉઇઝ’માં જણાવ્યા મુજબ માથાદીઠ આવકની દૃષ્ટિએ ભારતનો લાઓસ, ઝામ્બિયા અને સુદાન કરતાં પણ ઉતરતો છે.

1960ના પ્રારંભમાં જગતને ખ્યાલ આવ્યો કે જાપાન રમકડા, પગરખા તથા રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓના મોટા પાયે ઉત્પાદન થકી નોકરીઓ પેદા કરી રહ્યું છે. કોરિયા, તાઇવાન, સિંગાપોર અને હોંગકોંગે જાપાનની સફળતા જોઈ અને તરત એને અપનાવી લીધી તથા આકાશમાં ઉડતાં પક્ષીઓની જેમ ‘V’ આકારમાં પોતાના નેતાઓની પાછળ દોડવા લાગ્યંા. આ તમામ દેશો ઉંચો વૃદ્ધિદર બનાવતા અર્થતંત્રો બની ગયા અને ગરીબીનો ખાત્મો કરીને તેઓ પ્રથમ વિશ્વના દેશો બની ગયા. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને સિત્તેરના દસકામાં આ વાતનો ખ્યાલ આવ્યો. તેમણે જાપાનની નકલ કરી અને મધ્યમ આવક ધરાવતા અર્થતંત્રોના સન્માનિત દેશ બન્યા. ચીન આ મોડેલની સફળતાની તાજી ગાથા છે. ચીન તો એટલું સફળ થઈ ગયું છે કે આજે તે જગતની ફેક્ટરી બની ગયું છે.

આપણે મોદીને ચૂંટી કાઢ્યા હતા કારણ કે તેમણે મેન્યુફેક્ચરિંગની બસ આ વખતે નહીં ચૂકીએ એવો વાયદો આપ્યો હતો. પણ હજુ સુધી નોકરીઓના કોઈ અણસાર મળતા નથી. જ્યારે તેઓ મે 2014માં ચૂંટાઈ આવ્યા ત્યારે અપેક્ષાઓ એટલી તો ઉંચી હતી કે અર્થશાસ્ત્રીઓએ તેમને ચેતવ્યા હતા કે જે અર્થતંત્ર તેમને વારસામાં મળ્યું છે તેની હાલત એટલી તો ખરાબ છે કે તેને સુધારતા સમય લાગશે. તેમણે જણાવ્યું કે એક રોકાણનું એક કુદરતી ચક્ર હોય છે અને ઉંચા આર્થિક વિકાસદર પર પહોંચતાં બે વર્ષનો સમય લાગશે. મોદીએ તેમની વાત સાંભળી નહીં અને અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા.

હા, બે વર્ષ પહેલાના સ્તર કરતા અર્થતંત્રમાં થોડું ઉપર આવ્યું છે પણ ગ્રાહકોની માગ હજુ નબળી છે. કંપનીઓ પર ઉંચા દરે લીધેલા ધિરાણનો બોજો છે અને તેઓ ખરાબ પરિણામો આપી રહ્યા છે. તેના કારણે કંપનીઓ નથી રોકાણ કરતી કે નથી નવા કર્મચારીઓને નોકરીએ રાખતી. આ જ કારણોસર માગ નબળી પડી છે. બેન્કો સંકટમાં છે કારણ કે તેમની પાસેથી લોન લેનારી કંપનીઓ ચૂકવણી કરતી નથી. મોદીના હાથમાંથી સમય ઝડપથી નીકળી રહ્યો છે. થોડા મહિનાઓમાં જ સરકાર બે વર્ષ પૂરા કરશે. એ પછી અર્થતંત્રમાં દર ત્રીજા માસિક ગાળામાં તેજી દર્શાવવી પડશે.

હંસોના V આકારના ઝૂંડમાં ભારત કેમ સામેલ થઈ શક્યો નથી? આ માટે મુખ્યત્વે નેહરુનું સમાજવાદી મૉડેલ જવાબદાર છે, પણ તેના માટે નેહરુને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી શકાય નહીં. ઘણેઅંશે તે સમાજવાદી યુગની દેન હતી અને સમાજવાદીઓ સોવિયેટ સંઘની સફળતાથી એટલા તો પ્રભાવિત હતા કે તેમણે પૂર્વ કે જાપાન તરફ જોવાની તસ્દી લીધી નહીં. ઈંન્દિરા ગાંધીએ વિશ્વબેન્કનું એ સૂચન નકારી દીધું હતું કે ભારતે ‘એશિયન ટાઇગરો’ પાસેથી શીખવું જોઈએ. સૂચન સ્વીકારવાના બદલે તેમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું અને હતાશા પ્રેરે એવા અન્ય પગલાંઓ પણ ભર્યા.તેના કારણે ભારતને એક આખી પેઢી પાછળ પડી ગઈ.

વર્ષ 1991માં આર્થિક સુધારકોએ એશિયન મોડેલને અપનાવવાના ગંભીર પ્રયાસો કર્યા પણ સમાજવાદી માહોલની બાબુશાહી, માળખાકીય સુવિધાઓનું નબળું માળખું અને અડિયલ વલણ આડે આવી ગયા. ઉદાહરણ તરીકે લઘુ ઉદ્યોગ ક્ષેત્રના 800 ઉદ્યોગોને અનામત રાખવાના પગલાંને લીધે નિકાસને જબ્બર ફટકો પડ્યો. કારણ કે હરિફ દેશોએ મોટા પાયે ઉત્પાદન કરતી નિકાસ કંપનીઓ ઉભી કરી. રેડીમેડ વસ્ત્રોની નિકાસમાં બાંગ્લાદેશ આપણા કરતા આગળ નીકળી ગયું છે. આ વાતાવરણને બદલવાનો પ્રયત્ન કરનાર અને ભારતમાં વેપાર-ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા સરળ બનાવનાર મોદી સરકાર પ્રથમ છે.

નોકરીઓ ક્યાંથી આવશે? કેટલાક લોકોનું માનવું છે કે મેન્યુફેક્ચરિંગના યુગનો અંત આવી ગયો છે. તે હવે સ્વયંસંચાલિત થઈ ગયો છે અને અકુશળ શ્રમિકો માટે કોઈ નોકરીઓ નથી. આ વાત કેટલેક અંશે સાચી છે, પણ મને લાગે છે કે આ નિરાશાવાદ જરૂર કરતા વધારે પડતો છે. વેપાર-ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા જેટલી સરળ બનશે એટલી જ વધુ નોકરીઓ પેદા થશે. ભારત ભલે મેન્યુફેક્ચરિંગ ક્રાંતિ ચૂકી ગયું હોય. પણ સેવા ક્ષેત્રે તે ઉંચો વિકાસદર ધરાવતું અર્થતંત્ર બન્યું છે.

સેવા ક્ષેત્ર (સર્વિસ સેક્ટર)ની ક્ષમતાને આપણે અવગણી શકીએ એમ નથી. દાખલા તરીકે ભારતમાં વેચાતી ત્રણમાંથી એક કાર ડ્રાઇવરની નોકરી પેદા કરે છે. દર વર્ષે 25 લાખ કારો વેચાય છે, જેનો અર્થ છે ડ્રાઇવરની આઠ લાખ નોકરીઓ. તેમાં દર વર્ષે વ્યવસાયિક વાહનોના સાત લાખ ડ્રાઇવરોને પણ ઉમેરવામાં આવે. ઇ-કોમર્સ પણ મોટાપાયે નોકરીઓ સર્જી રહ્યું છે. 2020 સુધી 13 લાખ વેન્ડરો સાથે ઇ-કોમર્સનું કુલ વેચાણ 90 અબજ ડૉલરને આંબી જશે. દરેક વિક્રેતા માલના સંગ્રહ, ડિલિવરી તથા અન્ય સહાયક સેવાઓ માટે 12 નોકરીઓ પેદા કરે છે. ટૂંકમાં કુલ બે કરોડ નોકરીઓ પેદા થાય છે. તેમાંથી જ અડધી નોકરીઓ પેદા થવાની ગતિ ધીમી હોય તો પણ એક કરોડ નોકરીઓ તો નક્કી છે.

દેશમાં અત્યારે સ્ટાર્ટઅપનો જુવાળ છવાયેલો છે. સેંકડો યુવાનો પોતાની કોર્પોરેટ નોકરી છોડીને ઉદ્યોગસાહસિક બની રહ્યા છે. કેટલાક સફળ થશે, કેટલાક નિષ્ફળ થશે. પણ આ પ્રથમ એવી સરકાર છે જે યુવાન ઉદ્યોગસાહિસકોને પ્રોત્સાહિત કરવાનું મહત્ત્વ સમજી છે. નવા ઉદ્યોગસાહસિકને કોઈ પણ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી. માત્ર ઍપ ડાઉનલોડ કરીને તે રજીસ્ટ્રેશન કરાવી શકશે, મંજૂરી લઈ શકશે અને વેરા ચૂકવી શકશે. સ્ટાર્ટઅપ કંપનીઓને આકર્ષિત કરવા માટે દક્ષિણના રાજ્યોએ ઇન્ક્યુબેટર અને ‘ઇનોવેશન પાર્ક’ બનાવ્યા છે. રાજકારણીઓએ હંમેશા યાદ રાખવું પડે છે કે તેમને શા માટે ચૂંટવામાં આવ્યા છે. ‘અચ્છે દિન’ નોકરીઓ અને તકોનો કોડ વર્ડ છે. મોદીએ વિદેશની બાબતોમાં સારું કામ કર્યું છે પણ દેશવાસીઓએ તેમને નોકરીઓ પેદા કરવા માટે પસંદ કર્યા છે. મોદી વિદેશપ્રવાસોનું કામ પોતાના કુશળ વિદેશપ્રધાન સુષમા સ્વરાજને સોંપીને નોકરીઓ, આર્થિક વિકાસ અને અચ્છે દિન પર ધ્યાન આપશે તો એ બહેતર ગણાશે.

No comments: